લેખક – મલય ચિત્તલિયા
પ્રેરણા – શ્રી આર. ગોપીનાથ
અનુવાદ – સચીન વજાણી
ચાલો આજે એની (કેન્સરની) આગળની યોજનાઓ, સુરક્ષા અને ફરીથી પ્રાપ્ત કરી શકાતી સમૃદ્ધિ પર એક નજર કરીએ.
કેન્સરનો ઈલાજ શક્ય છે !
છેલ્લા કેટલાક વર્ષોથી કેન્સર ફક્ત આપણા માટે જ નહીં પણ મેડિકલ સાયન્સ માટે પણ એક ચિંતાનો વિષય રહ્યો છે. ઇન્શ્યૉરન્સના ક્ષેત્રમાં હોવાથી મારે ઘણા કેન્સરના દર્દીઓ સાથે મળવાનું થાય છે. રિસર્ચ કહે છે કે ૨૦૨૦ સુધીમાં દસમાંથી એક વ્યક્તિ કેન્સરથી પીડાતી હશે અને આગળ એવો પણ સમય આવશે દરેક બે માંથી એક માણસ કેન્સરગ્રસ્ત હશે. આવનારા કેટલાક વર્ષોમાં આ રોગ એક સામાન્ય રોગ જેવો બની જશે. હા, એ વાત સાચી છે કે આ જીવનને જોખમમાં મૂકનારો રોગ છે પણ જે ગતિથી આ રોગના દર્દીઓની સંખ્યા વધી રહી છે એને જોતા આપણે એની સામે લડવાની તૈયારી અત્યારથી કરવી પડશે.
નાણાકીય અસર:
આ રોગ સામે મેડિકલી કેવી રીતે લડત આપી શકાય એ જાણવાની સાથે સાથે, નાણાકીય રીતે શું તૈયારીઓ કરી શકાય એ જાણવાનો પ્રયાસ કરીએ, કેમકે આ રોગના ઇલાજ માટે બહુ મોટી માત્રામાં રૂપિયાની જરૂર પડતી હોય છે. અમુક સર્વસામાન્ય સર્જરીનો ખર્ચો નીચે પ્રમાણે છે.
૧. સારી હોસ્પિટલમાં સ્તન કેન્સરની સર્જરીનો ખર્ચો અંદાજે રૂપિયા ૫ થી ૮ લાખ.
૨. કેન્સરને લગતી અન્ય સર્જરીનો ખર્ચો રૂપિયા ૨૦ લાખથી વધારે.
૩. બૉન મેરો સર્જરીનો ખર્ચો રૂપિયા ૪૦ લાખ.
આ ખર્ચો માત્ર એક વખતની સર્જરીનો છે. કેમોથેરપી, રેડીએશન, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, કન્સલ્ટેશન અને અન્ય મેડિકલ ખર્ચ આમાં સામેલ નથી.
અસરકારક નાણાકીય યોજના:
આજની તારીખમાં એક પરિવાર પાસે ઓછામાં ઓછું ૨૫થી ૩૦ લાખ રૂપિયાનું ફ્લોટર હેલ્થ ઇન્શ્યૉરન્સ હોવું જોઈએ. જો આપણે ઈલાજના ખર્ચામાં ફુગાવાને (મોંઘવારીને) ગણીએ – જે વર્ષે ૧૪ થી ૨૦ ટકા જેટલો રહે છે – તો પરિવાર પાસે ૫૦ લાખ રૂપિયાનું હેલ્થ ઇન્શ્યૉરન્સ કવર હોવાનું સૂચન કરવામાં આવે છે. એક અગ્રણી ઑન્કોલોજીસ્ટ પણ તમને એ જ સલાહ આપશે કે જે પણ સમ ઇન્શ્યૉરન્સ ઉપલબ્ધ હોય તે ખરીદી લેવું. ત્યાં મહેરબાની કરીને એવા સવાલ ન કરવા કે, “હોસ્પિટલ નો ખર્ચ ક્યાં એટલો બધો આવે છે? આટલા રૂપિયાનું ઇન્શ્યૉરન્સ શા માટે જરૂરી છે?”
મારી એક મહિલા એન.આર.આઇ. ક્લાયન્ટને ૪૩ વર્ષે કેન્સર ડાયગ્નોસ થયું. તે આ રોગ સાથે લગભગ છ વર્ષ જીવી અને થોડા મહિના પહેલાં જ તેમનું નિધન થયું છે. તમને આશ્ચર્ય થશે કે છ વર્ષના ગાળામાં તેણે પોતાના રોગ પાછળ અંદાજે ૮.૫૦ કરોડ રૂપિયા વાપર્યા હતા. તે આટલા રૂપિયા ખર્ચી શકી કેમ કે તેનું મેડિકલ ઇન્શ્યૉરન્સ પર્યાપ્ત રકમનું હતું.
આ સિવાય કેટલાક એવા પણ ખર્ચાઓ છે જે હેલ્થ ઇન્શ્યૉરન્સમાં કવર નથી થતા, જેમ કે
૧. મેડિકલ સિવાયના ખર્ચ જેમ કે IV fluids અને ગ્લવ્ઝ
૨. અવર જવર અને ખાવા પીવાના ખર્ચાઓ
૩. સરચાર્જ અને સરકારી ટેક્સ વગેરે.
આ બધા ખર્ચા આપણા ખિસ્સામાંથી તો જાય જ છે. ઘણીવાર કેટલાક નિષ્ણાંત સર્જનો અતિશય વધારે ચાર્જ લેતા હોય છે જેને હેલ્થ ઇન્શ્યૉરન્સ કંપનીઓ આપવાની ના પાડે છે અને એમ કહીને નકારી દે છે કે ફલાણી રકમ મર્યાદા કરતા વધારે છે. કેન્સર એક જોખમી રોગ હોવાને લીધે એનો ઇલાજ કરાવવા ઘણા લોકો અમેરિકા અને ઑસ્ટ્રેલિયા જેવા વિકસિત દેશો તરફ દોટ મૂકતા હોય છે કેમ કે કોઈ પણ વ્યક્તિ પોતાના જીવન સાથે કોઈ પણ પ્રકારનું જોખમ લેવા તૈયાર નથી હોતી. મહત્ત્વની વાત એ કે ભારતની બહાર કરવામાં આવેલી ટ્રીટમેન્ટનો ખર્ચો હેલ્થ ઇન્શ્યૉરન્સમાં કવર કરવામાં નથી આવતો.
હેલ્થ ઇન્શ્યૉરન્સની વાત આગળ વધારીએ તો એમાં માત્ર એ જ વ્યક્તિને કવર કરવામાં આવે છે જેના નામનું હેલ્થ ઇન્શ્યૉરન્સ હોય છે. પરંતુ કેન્સર એક મહારોગ હોવાના કારણે દર્દીની સાથે સાથે ઘરના કોઈ એક આત્મીય માણસે પણ પોતાની નોકરી – ધંધા માંથી 3 કે 6 મહિનાની રજા લેવી પડે છે, જેને કારણે એક જ પરિવારમાં આવતી બે આવક બંધ થવાનો વારો આવે છે. આ બહુ મોટું નુકસાન કહેવાય. મેડિકલેમ પોલિસી ઈલાજ નો ખર્ચ તો ભરપાઈ કરી આપશે; તેમ છતાં આ પરિવાર ને એક વધારાના ફાયનાન્શીયલ સપોર્ટ ની જરૂર છે.
પૈસાનો પ્રવાહ સુનિશ્ચિત કરો:
એક કેન્સરના દર્દી માટે કેમોથેરપી અને રેડીએશનમાંથી પસાર થવાની પ્રક્રિયા ઘણી પીડાદાયક હોય છે. આવા સમયે દર્દીને પોતાના પરિવાર પાસેથી ઇમોશનલ સપોર્ટની જરૂર હોય છે. પણ જો જે તે વ્યક્તિએ હેલ્થ ઇન્શ્યૉરન્સ ઉપરાંત કેન્સર કવર પોલિસી લઈ રાખી હોય તો તેના પરિવારને પૈસાની બાબતમાં થોડી ઓછી ચિંતા રહે છે. જ્યારે પરિવારનો કોઈ સભ્ય કેન્સર સામે ઝઝુમી જોઈ રહ્યો હોય ત્યારે બીજી બાજુ પરિવારની બીજી વ્યક્તિ બીજા પ્રકારની લડતમાં અટવાયેલી હોય છે. પોતાના પરિવારની વ્યક્તિને બેસ્ટમાં બેસ્ટ મેડિકલ ટ્રીટમેન્ટ અપાવવી, દર્દીને તેમજ પરિવારના અન્ય સદસ્યોને માનસિક રીતે મજબૂત બનાવવા અને સમયે સમયે પૈસાની જોગવાઈ કરી રાખવી જેવા અનેક પ્રકારના ચેલૅન્જ પુરા કરવા પડે છે.
ઉપરની વાતો પરથી આપણને જાણવા મળ્યું કે માત્ર હેલ્થ ઇન્શ્યૉરન્સ પોલિસી આજના સમયમાં પૂરતી નથી. આપણી પાસે અશ્યૉરન્સ આધારિત પોલિસી હોવી પણ જરૂરી છે.
હવે પ્રશ્ન એ ઉદ્ભવે કે અશ્યૉરન્સ પોલિસી એટલે શું? ચાલો એને તબક્કાવાર સમજીએ.
રિસ્ક મેનેજમેન્ટની બે સ્ટ્રેટેજી છે: ઇન્શ્યૉરન્સ અને અશ્યૉરન્સ
ઇન્શ્યૉરન્સ પોલિસી : દર્દીએ પોતાની સારવાર માટે જે પણ મેડિકલનો ખર્ચો કર્યો હોય એ અહીં આપવામાં આવે છે. દા.ત. જો વ્યક્તિ પાસે દસ લાખ રૂપિયાની હેલ્થ ઇન્શ્યૉરન્સ પોલિસી હોય પણ તેનો હોસ્પિટલનો ખર્ચો માત્ર ત્રણ લાખ રૂપિયા થયો હોય તો ઇન્શ્યૉરન્સ કંપની માત્ર ત્રણ લાખ રૂપિયા જ આપશે. સામાન્યપણે જનરલ ઇન્શ્યૉરન્સ કંપની જે પણ પ્રોડક્ટ વેચે છે એ “ઇન્શ્યૉરન્સ” આધારિત હોય છે. ઇન્શ્યૉરન્સ પોલિસીમાં, થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં આવે છે.
અશ્યૉરન્સ પોલિસી : અશ્યૉરન્સ પોલિસી ઘટના પર આધારિત હોય છે. કોઈ ચોક્કસ નક્કી થયેલી ઘટના ઘટ્યા પછી તુર્ત જ ઇન્શ્યૉરન્સ કંપની તમને નક્કી કરેલી રકમ આપી દે છે. નુકસાન સાથે અશ્યૉરન્સ પોલિસીને કોઈ લેવાદેવા નથી. લાઇફ ઇન્શ્યૉરન્સ પોલિસી, ક્રિટીકલ ઇલનેસ પોલિસી વગેરે અશ્યૉરન્સના ઉદાહરણ છે. ધારોકે વ્યક્તિએ એક કરોડ રૂપિયાની લાઇફ ઇન્શ્યૉરન્સ પોલિસી લીધી છે અને કોઈ કારણસર તેનું મૃત્યુ થઈ જાય છે, તો એવામાં ઇન્શ્યૉરન્સ કંપની તે વ્યક્તિની નોમિનીને એક કરોડ રૂપિયા આપી દેશે. એ જ પ્રમાણે જો વ્યક્તિએ ૫૦ લાખ રૂપિયાની ક્રિટીકલ ઇલનેસ પોલિસી લીધી હશે તો જે તે ગંભીર રોગની જાણ થવા પર તેને કંપની તરફથી ૫૦ લાખ રૂપિયા મળી રહેશે. આવી પરિસ્થિતિમાં થયેલા નુકસાનની ગણતરી કરવામાં આવતી નથી.
સમાજના દરેક તબક્કામાં કેન્સર જેવા જીવલેણ રોગની અસર જોવા મળે છે, જે માણસના જીવનને તદ્દન બદલી નાખે છે. તેમ છતાં જો વ્યવસ્થિત રીતે નાણાકીય જોગવાઈ કરવામાં આવી હોય તો ઈલાજ માટે પૈસાની તંગી નડતી નથી અને વ્યક્તિને તેમજ તેના પરિવારને માનસિક રીતે ચિંતા પણ ઓછી રહે છે, જે દર્દીની રિકવરીમાં મદદગાર સાબિત થાય છે.
ઇન્શ્યૉરન્સ એકમાત્ર એવી વસ્તુ છે જે જરૂરત ન હોવા છતાં ખરીદવી જોઈએ કેમકે જ્યારે તમને એની જરૂર પડશે ત્યારે એ ઉપલબ્ધ નહીં હોય. જ્યારે તમે સ્વસ્થ હોવ ત્યારે ઇન્શ્યૉરન્સ જરૂરથી લેવું જોઈએ, કેમકે કંપની સ્વસ્થ હોય તેવી વ્યક્તિને જ ઇન્શ્યૉરન્સ આપે છે. બિમાર વ્યક્તિ નવી ઇન્શ્યૉરન્સ પોલિસી લેવાને પાત્ર હોતી નથી.
આપ સૌ સ્વસ્થ રહો મસ્ત રહો એવી શુભેચ્છા !