અનુવાદ: શ્રી જયંત પટેલ અને પૂર્વી જાદવ
એલઆઈસીનું ખાનગીકરણ થવાના સમાચારો આપણે હંમેશા સાંભળતા હોઈએ છે. એનો અર્થ એ થયો કે એલઆઈસીમાં સરકારની ભાગીદારી ઓછી થઇ જશે અને ખાનગી સંસ્થાઓનું વર્ચસ્વ વધશે. આ સમાચારની પ્રામાણિકતા વિશે તો કઈ કહેવું મુશ્કેલ છે પરંતુ એક વાત ચોક્કસ છે કે, કોઈ પ્રતિષ્ઠિત સંસ્થા કે વ્યક્તિ વિષે સમાચાર છાપવાથી કે ડિસઇન્વેસ્ટમેન્ટ અંગેનો મુદ્દો ઉભો કરવાથી મીડિયાનો ધંધો ખુબ સારો ચાલે છે. માત્ર ડિસઇન્વેસ્ટમેન્ટ જ નહીં, આ સૌથી મોટી કંપની વિશેના કોઈપણ સમાચાર સામાન્ય લોકો અને નિષ્ણાતોનું ધ્યાન આકર્ષિત કરેછે અને મીડિયાને વિશાળ ટીઆરપી / વાચકો મળે છે.
દર 2 કે 3 વર્ષે મીડિયા એલઆઈસીના ખાનગીકરણ વિશેના સમાચાર સાથે આવે છે અને વિવાદ ઉભો કરેછે.
આ સમાચાર સનસનાટીભર્યા કેમ લાગે છે તેનું એક કારણ વર્તમાન સરકાર હોઈ શકે છે. વર્તમાન સરકાર જે કંઈપણ કરી રહી છે તે યોગ્ય છે કે અયોગ્ય છે, હું તે અંગેની ચર્ચામાં પડવા નથી માંગતો. પરંતુ આપણે બધાએ અનુભવી લીધું છે કે એક વખત વર્તમાન સરકાર કોઈ પણ મુદ્દાને હાથમાં લે છે, તેને પરિણામ સુધી પહોંચાડે જ છે. કોઈપણ બાબતને નિષ્કર્ષ પર લઈ જવા પાછળ તેમની મજબૂત રાજકીય ઇચ્છાશક્તિ હોય છે. પરંતુ કેપિટલ માર્કેટમાં એલઆઈસીને સૂચિબદ્ધ (listing) કરવા માટે સરકાર પાસે કોઈ યોગ્ય કારણ નથી.
વિષયને ન્યાય આપવા તથ્યોની અહીં વિગતવાર ચર્ચા કરી છે, જેને કારણે આ આર્ટિકલ થોડો લાંબો થયો છે. વાચકોની સુવિધા માટે આ આર્ટિકલને બે ભાગમાં વહેંચી દીધો છે. ભાગ-1 માં આપણે ભારત સરકારના દ્રષ્ટિકોણથી વિચાર કરીશું કે શાને કારણે એલ આઈ સી નું પ્રિવેટાઇઝ કરવું ભારત સરકાર માટે લગભગ અશક્ય છે. ભાગ-2 માં આપણે એલઆઈસીના દ્રષ્ટિકોણ અને પોલિસી ધારકોના દ્રષ્ટિકોણ વિષે ચર્ચા કરીશું.
ભારત સરકારના દ્રષ્ટિકોણથી:
1. મૂડીની જરૂરિયાત માટે એલઆઈસીનું ખાનગીકરણ:
મૂડીની જરૂરિયાત ઉભી થવાથી સરકાર એલઆઇસી ને બજારમાં સૂચિબદ્ધ (Listing) કરીને તેનું ખાનગીકરણ કરવાનું નક્કી કરી શકે છે. અગાઉ પણ સરકારે ઓએનજીસી જેવી નુકસાન કરતી સરકારી કંપનીઓનો ભાગ વેચી સરકારી કંપનીઓની મૂડીની જરૂરિયાત પુરી કરવા આ પગલું ભર્યું છે.
શા માટે સરકારે ઓએનજીસીનું ખાનગીકરણ કર્યું? કારણકે તે નુકસાન કરી રહી હતી અને સરકાર પાસે ઓએનજીસી ને ચલાવવા માટે પૈસા નહોતા. તેથી જ સરકારે ઓએનજીસી પરનું તેનું નિયંત્રણ વેચ્યું.
પરંતુ અહીં, એલઆઈસી માટે પરિસ્થિતિ સમાન નથી. એલઆઈસી પાસે પર્યાપ્ત કરતા વધારે મૂડી છે. નાણાકીય વર્ષ ૨૦૧૭ – ૨૦૧૮ માં, એલઆઈસીએ 3 કરોડ+ પોલિસીઓ વેચી. તેનો અર્થ એ કે એલઆઈસીની લાયાબીલિટી (જવાબદારી) પણ તે હદ સુધી વધી ગઈ. દરેક જીવન વીમા કંપની દ્વારા વેચાયેલી દરેક નવી પોલિસી સામે સોલ્વન્સી માર્જિન (એક પ્રકારની અનામત રકમ) પૂરું પાડવું આવશ્યક છે. વેચાયેલી દરેક નવી પોલિસી પ્રત્યે જવાબદારી પૂરી કરવા માટે તેને અમુક રકમ (સોલ્વન્સી માર્જિન તરફ અનામત) રાખવી આવશ્યક છે. પરંતુ તે નાણાકીય વર્ષ માટે એલઆઈસીએ સોલ્વન્સી માર્જિન બિલકુલ પૂરું પાડ્યું ન હતું. કેમ? કારણકે, એલઆઈસી પાસે પહેલેથી જ અનામતમાં વધારે પૈસા હતા, તેથી સોલ્વન્સી માર્જિન પૂરું પાડવાની જરૂર નહોતી. આ એક દુર્લભ ઘટના છે; 3 કરોડ + પોલિસીઓ નું વેચાણ અને છતાં અને સોલ્વન્સી માર્જિન નો એક રૂપિયો પણ વધારવાની જરૂર ન પડી! આ બનાવ બિરદાવવા યોગ્ય છે.
એક ખૂબજ સરળ તર્ક છે કે કંપનીનો માલિક કંપનીના શેરને મૂડીબજારમાં શા માટે વેચે? કારણ કે માલિકને કંપનીના વિસ્તરણ (expansion) ને પહોંચી વળવા, નિયત મૂડી પૂરી કરવા (capital requirement), કાર્યકારી મૂડી પૂરી કરવા (working capital requirement), અનામતફંડ (reserves) માટે નાણાં ની જરૂર હોય છે. અહીં આવી કોઈ પરિસ્થિતિ નથી. ઉપરોક્ત તમામ હેતુઓ માટે એલઆઈસી પાસે પૂરતી મૂડી છે, પછી કંપનીના માલિક (ભારત સરકાર) એલઆઈસીને સૂચિબદ્ધ શા માટે કરે?
આમ, મૂડી આવશ્યકતા માટે એલઆઈસીને સૂચિબદ્ધ કરવાની જરૂર નથી.
2. સરકાર એલઆઈસીને સૂચિબદ્ધ કરીને આવક (revenue) મેળવી શકે છે:
એક તર્ક છે કે આવક મેળવવા સરકાર એલઆઈસીને શેર બજારમાં સૂચિબદ્ધ કરી શેરહોલ્ડરો પાસેથી પૈસા એકત્રિત કરી શકે છે .પરંતુ આ કિસ્સામાં સરકાર મોટી આવક તો મેળવી લેશે પરંતુ તેની મૂડી અને એલઆઈસી પર રહેલું પોતાનું નિયંત્રણ ગુમાવી બેસશે.
ઘણા પ્રસંગોએ એલઆઈસીએ આપણી અર્થવ્યવસ્થાને સંકટમાંથી બચાવી છે. આવી ઘણી ઘટનાઓ દરમિયાન, જો એલ.આઈ.સી. એ આ પ્રસંગો એ સરકારને મદદ ન કરી હોતતો આપણી આખી અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થયું હોત. ગયા વર્ષે, જ્યારે આઈડીબીઆઈ એક ઊંડા સંકટમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે એલઆઈસીએ આઈડીબીઆઈના ૫૫% શેર ખરીદ્યા હતા અને તેને અને દેશને એક વિશાળ સંકટથી બચાવ્યું હતું. એલઆઈસીએ આ બધા પૈસા એક સિંગલ હપ્તામાં ચુકવ્યા હતા. કોઈ પણ ભારતીય કંપની (રિલાયન્સ, ટાટા, બિરલા જેવી વિશાળ કંપની ઓ) પાસે પણ આઈડીબીઆઈમાં ૫૫% હિસ્સો ખરીદવા અને તેને એક જ સમયે જરૂરી નાણાં આપવા ની તાકાત નથી. જો આમાંની કોઈ પણ વિશાળ કંપનીએ આ હિસ્સો ખરીદ્યો હોત, તો પણ તેઓ મહામહેનતે ૧% થી ૨% ના નાના-નાના હપ્તામાં પૈસા ચૂકવવા ચૂકવી શક્યા હોત. અને સરકારને આ બધા પૈસા એકઠા કરવામાં ૨ વર્ષ જેટલો સમય લાગ્યો હોત.
જો સરકાર એલઆઈસીને સૂચિબદ્ધ કરે અને આવા આઈડીબીઆઈ જેવા રાષ્ટ્રીય આર્થિક સંકટ ઉભા થાય તો સરકાર કંઈ નહીં કરી શકે. વધુમાં વધુ તે શેરહોલ્ડરો સમક્ષ એજીએમમાં (AGM માં) દરખાસ્ત મૂકી શકે છે. આ ઉપરાંત સરકાર કંઈ કરી નહિ શકે. એમના હાથ બંધાઈ જશે
આઈડીબીઆઈને બચાવીને, એલઆઈસીએ આપણા અર્થતંત્રને, આપણા દેશને બચાવ્યો છે. જ્યારે સરકારી બેંક તેના પોતાના વચન પૂરા કરવામાં અસફળ થાય, તો પછી આંતરરાષ્ટ્રીય બજારમાં આપણી બેંકોનું રેટિંગ શું હશે? આપણા દેશમાં કોણ રોકાણ કરશે? જો આંતરરાષ્ટ્રીય બજારમાં આપણું રેટિંગ ઓછું થાય, તો ઇક્વિટીમાર્કેટ અને બોન્ડ માર્કેટ, બંને ટકી શકશે નહીં. આંતરરાષ્ટ્રીય બજારમાં આપણા દેશના નબળા રેટિંગને લીધે, નાના પાયાની કંપનીઓથી માંડીને વિશાળ બિઝનેસ હાઉસ સુધી બધાને મોટું નુકસાન થઇ શકે છે. વૈશ્વિકબજારમાં ભારતની નબળી રેટિંગને કારણે આખું અર્થતંત્ર તૂટી શકે છે.
આ પહેલીવાર નથી જ્યારે એલઆઈસીએ આપણા દેશને બચાવ્યો છે, પરંતુ વારંવાર એલઆઈસીએ આ કામ કર્યું. ઓએનજીસી, ભેલ (BHEL), હિન્દુસ્તાન એરોનોટિક્સ, આઈડીબીઆઈ, આઈએલ અને એફએસ, સત્યમ કમ્પ્યુટર્સ આ બધા પ્રસંગો એ જો એલ આઈ સી એ બચાવ્યા ના હોત તો આપણું અર્થતંત્ર ડૂબી ગયું હોત.
દેશની ૧૨મી પંચવર્ષીય યોજનામાં, એલઆઈસીએ ૭૦૪ લાખ કરોડના ભંડોળનું વચન આપ્યું હતું, તેમાંથી એલઆઈસીએ આજ સુધીમાં 6 લાખ કરોડ ચૂકવી દીધા છે. જો દેશના વિકાસમાંથી એલઆઈસીનો હિસ્સો હટાવવામાં આવે તો ભાગ્યે જ કંઈ બાકી રહેશે. એલઆઈસીની સૂચિ (listing) પછી, આ શેરધારકો નિર્ણય લેશે કે દેશના વિકાસમાં એલઆઈસીના નાણાંનો ઉપયોગ કરવો કે નહીં; જો કરવો હોય, તો પછી કેટલા પૈસા વાપરવા જોઈએ. શેરહોલ્ડરો (રોકાણકારો) સામાન્ય રીતે સંકુચિત માનસ ધરાવે છે, તે ફક્ત તેમના ફાયદા માટે જ વિચારતા હોય છે. તેમને સમજાવવા લગભગ અશક્ય છે કે દેશના વિકાસમાં જ બધાનો વિકાસ છે. (નોંધ: એલઆઈસી આ પૈસા સરકારને દાન તરીકે આપતું નથી, આ નાણાં ખૂબ ઊંચા વ્યાજ દરે સરકારને લોન તરીકે આપવામાં આવે છે.)
આ રીતે, ભારત સરકાર એલઆઈસી ને સૂચિબદ્ધ (listing) કરીને આવક (મોટું મૂલ્ય) તો મળી જશે, પરંતુ તેની મૂડી ગુમાવવી પડશે અને એલઆઈસી પરનું નિયંત્રણ ગુમાવવો પડશે, જે એક મોટી ભૂલ હોઈ શકે છે. ભારત સરકારને આમ કરવું ખૂબ ભારે પડી શકે છે.
3. એલઆઇસી સૂચિબદ્ધ થયા પછી વધુ કાર્યક્ષમ બનશે:
કેટલાક પંડિતોની દલીલ છે કે સૂચિબદ્ધ થયા પછી, એલઆઈસી વધુ કાર્યક્ષમ બનશે, નફો વધશે અને પોલિસી ધારકોને વધુ બોનસ મળશે. સરકારી કંપની હોવાને કારણે એલઆઈસી કાર્યક્ષમ નથી (!) આ તદ્દન ખોટી દલીલો છે. આજની તારીખમાં પણ ઘણાં ખાનગી બેન્કો, વીમાકંપનીઓ, અન્ય સેવાક્ષેત્રમાં ખાનગી કંપનીઓ છે જે એલઆઈસીના પ્રદર્શન સાથે બરોબરી કરી શકતી નથી. એલઆઈસી એકમાત્ર એવી કંપની છે કે જેણે છેલ્લા ૬૩ વર્ષથી સતત નફો કર્યો છે, કદી નુકસાન નથી કર્યું. વીમા, બેંકિંગ, ઉત્પાદન, વેપારના ક્ષેત્રમાં, આવી કોઈપણ લાયક કંપની બતાવો કે જે એલઆઈસીના આ રેકોર્ડને મેચ કરી શકે. જ્યાં સુધી કોઈ એક કંપની આ કામગીરીની બરાબરી ના કરે ત્યાં સુધી એલઆઈસીના પ્રદર્શન વિશે વાત કરવાનો તેમને કોઈ અધિકાર નથી. પહેલા સતત ૬૩ વર્ષ સુધી નફો કરો અને પછી એલઆઈસી વિશે વાત કરો. જો એવો કોઈ નિયમ હોય કે ફક્ત બિન સરકારી (પ્રાઇવેટ) કંપનીઓ જ કાર્યક્ષમ હોઈ શકે, તો પછી તમામ ખાનગી કંપનીઓને વિનંતી છે કે એલઆઈસીના આ પ્રદર્શન સાથે બરોબરી કરી બતાવે અને પછી એલઆઈસી વિષે કઈ બોલે. છેલ્લા ૬૩ વર્ષમાં એલઆઈસીએ શું નથી જોયું! સરકારની દખલ, વિવિધ સરકારોની જુદી જુદી વિચારધારા, (ઇન્દિરા ગાંધી સરકારની વિચારધારા જુદી તો મોરારજી દેસાઇ સરકારની વિચારધારા જુદી, કોંગ્રેસ સરકારની વિચારધારા જુદી તો ભાજપ સરકારની વિચારધારા જુદી), સુનામી, યુદ્ધ, આર્થિક મંદી, શેરબજારમાં તેજી અને કટોકટી… આ બધી આફતોનો સામનો કર્યા પછી પણ, ત્રેસઠવર્ષ સુધી સતત નફો મેળવવો, શું સહેલી વાત છે? BSE અથવા NSE માં સૂચિબદ્ધ કંપનીમાં પણ કોઈ એવી કંપની છે જે આ રેકોર્ડને મેચ કરી શકે? આટલું જ નહીં, વિશ્વમાં એક પણ વીમા કંપની નથી કે જે આ કામગીરીને મેચ કરી શકે (AIA, Prudential, Standard Life, Allianz, Zurich). હું આ તમામ ખાનગી કંપનીઓને પણ વિનંતી કરું છું કે પહેલા તેમના સંબંધિત દેશોમાં જાઓ અને પોતાનું પ્રદર્શન ઠીક કરો અને પછી એલઆઈસી વિશે વાત કરો. એલઆઈસી જે પણ કરે છે, તે આશ્ચર્યજનક છે. ભારતીય તરીકે આપણને તેના પર ગર્વ થવો જોઈએ.
જો બેંક અથવા નાણાકીય સંસ્થા દ્વારા આપવામાં આવેલી લોન વ્યાજ સાથે પરત આવે તેવી સંભાવના ન હોય તો, તેને નોન-પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ) કહેવામાં આવે છે. ભારતની તમામ સરકારી અને ખાનગી બેંકોમાં લગભગ 7% એનપીએની આસપાસ છે. આ કિસ્સામાં કેટલીક બેંકો 14% સુધી પહોંચી ગઈ છે. આને કારણે, આપણે વારે વારે બેંકોની નાદારીના સમાચાર સાંભળતા રહીએ છીએ. પરંતુ એલઆઈસીના કિસ્સામાં, એલઆઈસીનો NPA હાલમાં 0.43% છે. શું આ મહાન પ્રદર્શન નથી?
એલઆઈસીની કેટલીક સંપત્તિ (assets) નોન-પરફોર્મિંગ છે અને બાકીની સંપત્તિ સ્વસ્થ છે એ કોણ નક્કી કરે છે? એલઆઈસી તે જાતે કરે છે? ના! એલઆઈસીની NPA હાલમાં કેટલી છે તે ત્રણ સ્વતંત્ર સંસ્થાઓ નિર્ધારિત કરે છે – Actuarial Society of India (ASI), Institute of Chartered Accountants of India (ICAI) અને Life Insurance Council (association of all insurance companies operating in India). IRDA દરેક વીમા કંપનીને ૫% NPA થાય ત્યાં સુધી છૂટ આપે છે, પરંતુ એલઆઈસી એ તો પહેલેથી જ તેને 0.૫%થી નીચે લાવી દીધી છે. શું આ તાકાત કોઈપણ બૅન્ક અથવા નાણાકીય સંસ્થા માં છે? બિલકુલ નહીં.
ઘણી સંસ્થાઓને લોન આપ્યા પછી, ઘણા શેરોમાં રોકાણ કર્યા પછી પણ એલઆઈસી તેનો એનપીએ 0.૪૩% સુધી જાળવી રાખવામાં સફળતા પ્રાપ્ત કરી શકી છે. કોઈપણ કંપની listing થયા પછી પણ આવું ઉચ્ચ પ્રદર્શન પ્રાપ્ત કરી શકે છે? એક પણ લિસ્ટેડ બૅન્ક અથવા નાણાકીય સંસ્થા બતાવો કે જે આ બાબતે એલઆઈસીની સરખામણીમાં આવી શકે. સરખામણી તો છોડો, આ લોકોને ૭% NPA પર ટકી રહેવા અને તેમની કાર્યક્ષમતા સાબિત કરવા સંઘર્ષ કરતા રહેવું પડે છે. આ કિસ્સામાં 0.૪૩% આસપાસ પણ એક કંપની અથવા બેંક નથી.
મારું માનવું છે કે એલઆઈસી એક પબ્લિસિટી શરમાળ કંપની છે, તેણે ક્યારેય પોતાના પ્રદર્શનને એનકેશ (રોકડ) નથી કર્યું.
જો કોઈ કંપની અથવા બેંકના સૂચિબદ્ધ થવાથી તેની કાર્યક્ષમતામાં વધારો થતો હોત, તો બધી બેંકો અને ખાનગી કંપનીઓ કે જે ઘણા વર્ષોથી સૂચિબદ્ધ છે, તેઓએ તે સાબિત કરી દીધું હોત. તેથી, એલઆઈસી નું લિસ્ટિંગ એ એલઆઈસીની કાર્યક્ષમતામાં વધારો કરશે તે ધારી લેવું પાયાવિહોણું છે. આ કારણોસર, એલઆઈસીને સૂચિબદ્ધ (listing) કરવાની જરૂર નથી.
4. એલઆઇસી સૂચિબદ્ધ થયા પછી વધુ પારદર્શક બનશે:
એલઆઈસીની લિસ્ટિંગની તરફેણમાં એક દલીલ છે કે તે વધુ પારદર્શક બનશે. કેટલાક જાહેરનામાના ધોરણો (disclosure norms) છે કે જે દરેક સૂચિબદ્ધ કંપનીએ પાલન કરવાં જોઈએ જેથી પોલિસી ધારકો જાણી શકે કે કંપનીમાં શું ચાલી રહ્યું છે. વિશ્વવ્યાપી તમામ વીમા કંપનીઓએ તેની રચનાના ૫ થી ૧૦ વર્ષમાં સૂચિબદ્ધ થવું ફરજિયાત છે. તેથી લિસ્ટિંગ કર્યા પછી, એલઆઈસી વધુ ડેટા, કાગળો, એકાઉન્ટ્સના પુસ્તકો જાહેર કરશે જે પારદર્શિતાના સ્તરમાં ઉમેરો કરશે.
એલઆઈસી અધિનિયમ ૧૯૫૬ હેઠળની કંપની નથી, એલઆઈસી એ એલઆઈસી ઇન્ડિયા એક્ટ ૧૯૫૬ હેઠળની એક કંપની છે. એક અલગ કાયદો છે જે એલઆઈસીને સંચાલિત કરે છે. જોકે એલ.આઈ.સી. કંપની અધિનિયમ હેઠળ જાહેરાતના ધોરણોનું પાલન કરવા માટે જવાબદાર નથી, તેમ છતાં તે કંપની અધિનિયમ ૧૯૫૬ હેઠળ જાહેર કરેલા ધારા મુજબ સ્વેચ્છાએ તેના તમામ દસ્તાવેજો અને નિવેદનો જાહેર કરે છે. એવો એક પણ વધારાનો રિપોર્ટ નથી જે લિસ્ટિંગ થયા પછી એલઆઈસી એ જાહેર કરવો પડે. એલઆઈસી સરળતાથી કેગ (CAG) ઓડિટથી છટકી શકે છે, પરંતુ એલઆઈસી સ્વેચ્છાએ દર વર્ષે કાનૂની ઓડિટ કરે છે. તેણે આ માટે ૫ વૈધાનિક ઑડિટર્સની નિમણૂક કરી છે અને આ પ્રથા તાજેતરની નથી અથવા વર્ષ ૨૦૦૦માં IRDA દ્વારા નિયમનકાર તરીકેનો હવાલો સંભાળ્યા પછીની નથી; પરંતુ એલઆઈસી વર્ષ ૧૯૬૦થી આ પ્રથાને અનુસરે છે. એલઆઈસી ને સૂચિબદ્ધ કર્યા પછી પણ આનાથી વધુ શું પારદર્શિતાની અપેક્ષા રાખી શકીએ?
સરકારના દ્રષ્ટિકોણથી, એલઆઇસી નું ડિસઇન્વેસ્ટમેન્ટ કેમ તર્કસંગત નથી તે 4 કારણો પર આપણે ચર્ચા કરી.
જો સરકાર વધુ પૈસા મેળવવા ખૂબ જ તલપાપડ હશે તો કદાચ એલઆઈસી નું ડિસઇન્વેસ્ટમેન્ટ કરે પણ ખરું, પરંતુ એ સરકારના પોતાના કે સમગ્ર દેશના હિતમાં બિલકુલ નથી.
આવતા સપ્તાહમાં ભાગ-2 માં આપણે એલઆઈસી નો દ્રષ્ટિકોણ અને પોલિસી ધારકોના દ્રષ્ટિકોણ વિષે પણ ચર્ચા કરીશું અને જાણીશું કે કેમ એલઆઈસી નું પ્રાઇવેટાઇઝેશન લગભગ અશક્ય છે.
વધુ આવતા અંકે….
3 Responses
Thank Malay.
Good Information giving about LIC.
Thank you very much!
Thanks sir..Nice Jordar LIC MEANS GOVT OF BIG BROTHER…SO PLZ DONT SAY ANTHING FOR WITHOUT KNOWING FACT …